જેતપુરના મેવાસા ખાતે આરોગ્ય કેમ્પ તથા સેવા સેતુની સાથે સાથે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા ધારાસભ્ય જયેશ રાદડીયા સહિતનાંના હસ્તે એક કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુર્હૂત કરાયા હતા. મંત્રી ડો. મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, સેવા સેતુ એ પ્રધાનમંત્રીનો સેવાના માધ્યમથી લોકો સાથે જોડાવાનો ઉદાત્ત વિચાર છે.
આજે આ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પના માધ્યમથી અનેક લોકોને સારવાર અને તેમની તકલીફોનું નિદાન પણ મળશે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, મેવાસા વિસ્તારમાં રૂ. 1.10 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે કેન્દ્ર સરકારની વયોશ્રી યોજનાનો ગુજરાતમાં પ્રથમ મેવાસા ખાતેથી પ્રારંભ થઈ રહ્યો છે. જેના 36 લાભાર્થીઓને રૂ. 2,58,192ના સહાયક ઉપકરણો એનાયત કરવામાં આવ્યા છે. થોડા કલાકોમાં જ સરકારની 50 થી વધુ યોજનાઓનો 200 થી વધુ લાભાર્થીઓને લાભ મળ્યો છે, પશુ કેમ્પ દ્વારા 600 થી વધુ પશુઓને ડી-વોર્મીગ અને અન્ય સારવાર આપવામાં આવી છે.
મેવાસા ખાતે નવનિર્મિત તળાવ તથા 55 લાખના ખર્ચે નિર્મિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં લુણાગરી, મોટા ગુંદાળા, સરધારપુર, મેવાસા, જાંબુડી, કેરાળી, મંડલીકપુર વગેરે ગામોમાં પેવર બ્લોક તથા મેવાસા ખાતે ભૂગર્ભ ગટર અને પ્રેમગઢ ખાતે સી.સી.રોડના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ તમામ ગામોમાં રોડ, શેડ, પાણીની પાઇપલાઇન, કમ્પાઉન્ડ વોલ જેવા વિવિધ કામોના અંદાજે રૂ. 54,12,500ના વિકાસ કામો અને મેવાસા ગામે રૂ. 27,49,560.44 ના ખર્ચે બનનાર આંગણવાડી કેન્દ્ર નં.3ની નવી ઈમારતનું ખાતમૂહુર્ત પણ કરાયું હતું.