લાપાસરીમાં રહેતો અને નાક-કાન વીંધવાનું કામ કરતો ગોપાલ ભદુભાઇ સોલંકી (ઉ.વ.32) તા.17ના સવારે સાડા આઠેક વાગ્યે બાઇક લઇને પોતાના કામધંધે લોઠડા તરફ ગયો હતો. આખો દિવસ વીતી ગયો હતો અને રાત્રે પણ ગોપાલ પરત નહીં આવતા તા.18ને રવિવારે સવારે ગોપાલના મોટાભાઇ બચુભાઇ સહિતના લોકો તેની શોધમાં લોઠડા ગયા હતા ત્યારે લોઠડાની વીડીમાંથી ગોપાલ મૃત હાલતમાં મળી આવ્યો હતો તેના શરીર પર ઇજાના લોહીવાળા નિશાન હતા.
પોલીસે તપાસ કરતાં ગોપાલની હત્યા ચોરીની શંકાએ થયાનું બહાર આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોપાલ લોઠડામાં પરબત ભીમા કોળીના ઘરે ગયો હતો અને પરબતની પત્નીએ પોતે કાનમાં ત્રણ ચાર કડી પહેરતી હતી તે સરખી કરવા આપી હતી તેમાં એક કડી ચોરી થઇ ગઇ હતી. આ કડી ગોપાલે ચોરી કર્યાની તેને શંકા હતી, આથી પરબતને બોલાવીને તેના પર હુમલો કરાયો હતો. જેમાં તેનું મોત થયું હતું. પોલીસે ગોપાલના ભાઇ બચુભાઇની ફરિયાદ પરથી પરબત અને તેના પુત્ર સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બે શખ્સને સકંજામાં લીધા હતા.