ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા વિશે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી બેફામ વાણી વિલાસ કરનાર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ તાજેતરમાં જ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખને તેમના જ મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાનો એક વિડીયો વહેતો કર્યો હતો. બાદમાં આવા વિડીયો નહિ બનાવવા આગેવાનો સમજાવટ કરવા જતાં બન્નીએ રૂ. 11 લાખની માંગણી કર્યા મામલે સુલતાનપુર, ગોંડલ તાલુકા અને જેતપુર તાલુકા પોલીસમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાયા છે. અગાઉ બન્ની ગજેરા વિરુદ્ધ ઉપલેટા પોલીસમાં એટ્રોસિટી અને જેતપુર પોલીસમાં ઠગાઈનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
આ મામલામાં ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુંમરે સુલતાનપુર પોલીસમાં અને ઉપપ્રમુખ વિશાલ ખુંટએ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 18 એપ્રિલે ભાવિન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરા(રહે. મોટા ગુંદાળા)એ એક વિડીયો મૂક્યો હતો. જેમાં તેણે એવો વાણી વિલાસ કર્યો હતો કે, અશ્વિન ઠુંમર અને વિશાલ તે અલ્પેશના ખાસ માણસ છે. વિશાલનો એક મિત્ર અમેરિકા છે તેની ઘરવાળી અહીં રહે છે. જેથી વિશાલને તેના મિત્રની ઘરવાળી સાથે ફાવી ગયું અને બાદમાં વિશાલે મિત્રની ઘરવાળીને અશ્વિનને પાસઆઉટ કરી દીધી તેવો બકવાસ કરી અશ્વિન અને વિશાલના ચારિત્ર પર સવાલ કરી પ્રતિષ્ઠાને હાનિ કરી છે.
જયારે અતુલ માવાણીએ પણ તેમના સમાજના આગેવાનો વિરૂધ્ધ બન્નીએ વિડીયો બનાવી વહેતા કર્યા હોઇ સમાજમાં કોઇ ગેરસમજ ન થાય તે માટે બન્નીને કહ્યું હતું કે, તું અલ્પેશ ઢોલરીયા વિશે વીડીયો ન મુક તેમ સમજાવ્યુ, તો બન્નીએ એવી માગણી કરી હતી કે આ બધું બંધ કરવું હોય તો 11 લાખ આપવા પડશે. એટલું જ નહીં,મને પણ ધમકી આપી હતી.