કુવાડવા રોડ પરથી 2.421 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે શખ્સ પકડાયો

શહેરમાં કુવાડવા રોડ પરથી એસઓજીની ટીમે વધુ એક શખ્સને માદક પદાર્થના જથ્થા સાથે પકડી લીધો હતો. જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતો શખ્સ ઓરિસ્સાથી ત્રીજીવાર લઇ આવ્યો હોવાનું અને છેલ્લા છ માસથી છૂટક વેચાણ કરતો હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછતાછ માટે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા ગામ પાસે ઇન્ડિયન પંપ પાસે શિવશક્તિ હોટેલ પાસે માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે પીઆઇ એસ.એમ. જાડેજાની સૂચનાથી એસઓજીની ટીમે વોચ ગોઠવી એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતાં તે જૂના માર્કેટિંગ યાર્ડ પાસે સાગરનગરમાં રહેતો દીપક ઉર્ફે શિવમ રણજિતભાઇ અગ્રાવત હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી 24 હજારની કિંમતનો 2.421 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસની પૂછતાછમાં છૂટક મજૂરીકામ કરતો અને આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લાવ્યો હોવાનું અને ટ્રેન મારફતે ગયો હતો અને ટ્રેન મારફતે અમદાવાદ સુધી આવી ખાનગી વાહનમાં રાજકોટ આવ્યા હતો અને કુવાડવા પાસે ઉતરી તેનો ફોન બંધ કરી દેતો હોવાનું અને ઘેર જતો હતો તે દરમિયાન પકડાયો હોવાનું રટણ કર્યું હતું. પોલીસની વધુ તપાસમાં અગાઉ પણ ત્રણેક વખત ઓરિસ્સાથી ગાંજો લાવી છૂટક પડીકીઓ બનાવી 300થી 500 રૂપિયામાં વેચતો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ કરતાં અગાઉ બાઇક ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસે તેની ધરપકડ કરી આ માદક પદાર્થની હેરાફેરીમાં વધુ કોઇની સંડોવણી છે કે કેમ ? તે અંગે વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *