દરિયામાં માછલાં અથડાય જ, કોઇ માછલી દરિયો મૂકીને બહાર કૂદી?!

ગિરનારની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ અમૃતવાણી વહાવતાં કહ્યું હતું કે, જીવનરૂપી ઈમારતનાં ચાર પાયા મજબૂત હોવા જોઈએ. કુટુંબમાં સંપ, શરીરમાં આરોગ્ય, જીવનમાં શાંતિ અને ચિત્તમાં પ્રસન્નતા આ ચાર પાયા જીવનને મજબૂત બનાવવા માટે છે.

પૂર્વે સંયુક્ત કુટુંબની પ્રથા હતી. આજે પણ આવા કેટલાય કુટુંબો જોવા મળે છે. સંયુક્ત કુટુંબની મજા જ કોઈ ઓર હતી. સાથે બેસવું, રહેવું, જમવું અને પરસ્પર એકબીજાના હૈયાંની વાતો કરીને હરખમાં રહેવાની મજા જ કોઈ ઓર હોય છે. પરિવારમાં સાથે રહેવાથી ક્યારેક વાસણો ખખડે એ પણ પરિવારનું સૌન્દર્ય છે. સાગરમાં માછલાં અવાર-નવાર અથડાતા હોય છે તેથી કોઈ માછલી સમંદર છોડીને રેતીમાં કૂદી પડવાની બાલિશતા કરે તો અંતે એ તરફડી તરફડીને મરી જાય છે. પાણી એ માછલીની જીવાદોરી છે. સંયુક્ત કુટુંબ એ પણ જીવનનું સૌન્દર્ય છે. સંયુક્ત કુટુંબમાં હશો તો દુઃખ, દેવું અને દર્દમાં રાહત રહેશે. જ્યાં પરિવારો તૂટયા છે તેના મૂળમાં અસહિષ્ણુતા અને ઈર્ષ્યાની આગ છે. સંયુક્ત કુટુંબમાં મૈત્રી, પ્રેમ અને સ્નેહનું સંગીત ગુંજતું હોય છે.

પરિવાર વિચ્છેદ એ ભયંકર કોટીનો અપરાધ છે. કૌટુંબિક પ્રેમ જોવો હોય તો રામાયણનું અધ્યયન કરવું જોઈએ. એક-બીજા માટે ઘસાઈ જવાની તૈયારી હોય તે આદર્શ પરિવાર ગણાય. રામાયણમાં પરસ્પરનો ભાઈચારો અવ્વલ કક્ષાનો હતો. અત્યારે ભાઈચારાની ભેખડો તૂટી રહી છે. જ્યારે સ્વાર્થની સરગમો શરુ થાય છે. ત્યારે કુટુંબ તૂટે છે. હક્કનું સ્થાન અત્યારે હરામે લીધું છે. રામાયણમાં નાહક્કની મારામારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *