રાઇટ ટુ એજ્યૂકેશન હેઠળ રાજકોટ શહેરમાં 4453માંથી 4439 સીટ ઉપર બાળકોને એલોટમેન્ટ અપાયું હતું જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કુલ 2187 સીટમાંથી 2102 સીટ ઉપર બાળકોને પ્રવેશ અપાયો હતો. એલોટમેન્ટ આપ્યાના આશરે 7 દિવસમાં જ બાળકને જે સ્કૂલમાં પ્રવેશ ફાળવાયો છે તેમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો હોય છે, પરંતુ રાજકોટ શહેરમાં 4226 બાળકો અને ગ્રામ્યમાં 1945 બાળકોએ એડમિશન કન્ફર્મ કરાવ્યા છે, પરંતુ શહેરમાં 213 અને ગ્રામ્યમાં 141 બાળકોના પ્રવેશ હજુ કન્ફર્મ થયા નથી.
કેટલાક વાલીને મનગમતી શાળામાં પ્રવેશ ન મળ્યા તેથી પ્રવેશ નથી લીધો તો કેટલાક વાલીઓએ અન્ય કારણોસર પ્રવેશ લીધો નથી. જ્યારે બીજીબાજુ જે વાલીના આવકના દાખલા 50 હજારથી ઓછી રકમના રજૂ કર્યા છે તેવા દાખલાની ફરી ચકાસણી કરવામાં આવશે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં આવકના દાખલાઓ ખોટા-શંકાસ્પદ જણાતા કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. હવે રાજકોટ સહિત રાજ્યભરમાં RTEમાં જેમને પ્રવેશ ફાળવાયો છે તેના આવકના દાખલાની ચકાસણી કરાશે.
આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં 50 હજાર કે તેથી ઓછી આવકના દાખલા રજૂ કરી RTE હેઠળ પ્રવેશ મેળવેલ અરજદારોના આવકના દાખલાઓની જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા દાખલો ઈસ્યૂ કરનાર કચેરી ખાતેથી ખરાઈ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જો ખરાઈ બાદ આવકના ખોટા દાખલાઓ ધ્યાન પર આવશે તો જિલ્લાકક્ષાએથી આવા બાળકોના RTE હેઠળના પ્રવેશ નિયામાનુસાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.