ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અને હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ અંગે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આપણે યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઈએ. ઓપરેશન સિંદુર હજુ ચાલુ છે. તેમજ જો પાકિસ્તાન અવળચંડાઈ કરે તો જડબાતોડ જવાબ આપવા સેના તૈયાર છે. ત્યારે લોકો પણ પૂરો સહકાર આપે તે જરૂરી છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ શુ સ્થિતિ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ લશ્કરનાં વડાઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી સહિતનાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. આવતીકાલે શું થાય એ ખબર નથી. પણ થાય તો આપણે ઊંઘતા ન ઝડપાઇ તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે. ભારતીય સેના ઉપરાંત ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનાઓ આ બાબતે તૈયારી કરી રહ્યા છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
યુદ્ધ તો સેનાનાં જવાનો લડતા હોય છે, પરંતુ તેઓનું મનોબળ વધારવું અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ પ્રજાનું કામ છે. અત્યારે કોઈ આંતરિક મતભેદ હોવા જોઈએ નહીં. હાલ માત્ર હિન્દુસ્તાન -પાકિસ્તાન એમ બે જ પક્ષ હોવા જોઈએ. આવી ભાવનાની સાથે આખો દેશ એક થઈને આ લડાઈમાં સહકાર આપે તેની જરૂર છે. બ્લેકઆઉટ (અંધારપટ) સહિતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. ભવિષ્યમાં નુકસાનની શક્યતા હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવાથી લોકોએ દૂર રહેવું જોઈએ.
સોશિયલ મીડિયામાં આ બાબતે કોઈપણ મજાક થવી જોઈએ નહીં. આ કોઈ મજાકનો વિષય નથી. આપણા દેશમાં પણ રાષ્ટ્રવિરોધી લોકો ખોટા સમાચાર-અફવાઓ ફેલાવતા હોય તો તેમજ દેશની એકતા તૂટે તેવા પ્રયાસો કરતા હોય તેવા બધાને ખુલ્લા પાડી દેવા જોઈએ. હાલ ભારત સરકારે પીએમ મોદીનાં નેતૃત્વમાં આતંકીઓનો સફાયો કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ઓપરેશન સિંદુર અભિયાન હજુ ચાલુ જ છે. પાકિસ્તાને બે દિવસ દરમિયાન 400-500 ડ્રોન મોકલ્યા હતા તેને ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. પાકિસ્તાન આવી અવળચંડાઈ ચાલુ રાખશે તો યુદ્ધ નિશ્ચિત છે.