મનપામાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અજય મનસુખ વેગડે તેમની સામે થયેલા રૂ.77 લાખના અપ્રમાણસર મિલકત અંગેના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી જે ખાસ અદાલતના જજ વી.એ.રાણાએ ફગાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર અજય મનસુખ વેગડ વિરુધ્ધ મળેલી માહિતીના આધારે એસીબીએ ખાનગીરાહે તપાસ કરતા જણાયું હતું કે, છેલ્લા 10 વર્ષના સમયગાળામાં તેઓની આવકના પ્રમાણમાં તેમણે વસાવેલી મિલકતો રૂ.77 લાખની અપ્રમાણસર છે. આ અંગે એસીબીએ તેમના પત્ની અને પુત્રીઓના અસ્કયામતો, બેન્ક બેલેન્સ, ફિક્સ ડિપોઝિટો ધ્યાનમાં લીધી હતી.
આ અંગેની તપાસ દરમિયાન અજય વેગડે તેમના પત્ની અને પુત્રીએ ઇમિટેશન જ્વેલરીના ધંધામાંથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કર્યાનો બચાવ કર્યો હતો. જ્યારે તપાસનીશ અમલદારે પૂછપરછ કરતા તેમના પત્ની અને પુત્રી ઇમિટેશન જ્વેલરી કોની પાસેથી ખરીદ કરી હતી અને કોને વેચી હતી તેના કોઇ નામ-સરનામા જણાવી શકયા ન હતા. આ કારણોસર પત્ની અને પુત્રીની આવકને કાયદા મુજબ અજય વેગડની જ આવક ગણવામાં આવી હતી. નાયબ કાર્યપાલક ઇજનેરે કરેલી આગોતરા જામીન અરજીના હિયરિંગ દરમિયાન સરકારી વકીલ એસ.કે.વોરાએ એવી દલીલ કરી હતી કે, આરોપી અજય વેગડના પત્ની અને પુત્રી પાસે ઇમિટેશનના ધંધા અંગે કોઇ પ્રકારનો હિસાબ નથી. જ્વેલરી લેનાર-વેચનારના નામ-સરનામા પણ નથી. આરોપીની પુત્રી પણ હાલમાં એમબીબીએસ થયેલી છે ત્યારે તેઓ 4 વર્ષથી અભ્યાસના બદલે ઇમિટેશન જ્વેલરીનો ધંધો કરી આવક રળતા હોય તે માનવાપાત્ર નથી. આ દલીલો ધ્યાનમાં લઇ અદાલતે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.