મૂળ બરવાળા બાવીસી ગામનો અને હાલ રાજકોટના હરિપર ગામના પાટિયા પાસે ઓરડી ભાડે રાખી રહેતો અને કેટરર્સનું કામ કરતો હિતેશ દિનેશભાઇ ચૌહાણ (ઉ.20) કાલાવડ રોડ પર પાસે ચાની હોટેલ પાસે હતો ત્યારે તેની સાથે કેટરર્સમાં કામ કરતો ધર્મેશ અને મીત સહિતના ચાર શખ્સે ધસી આવી ઝઘડો કરી ઢીકાપાટુ, ખુરશી વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં હિતેશે જણાવ્યું હતું કે, તે કેટરર્સમાં કામ કરતો હોવાનું અને તેની સાથે કામ કરતાં ધર્મેશ ઉર્ફે ધમભા જાડેજા વાહનમાં તેડવા મૂકવા જવાનું કામ કરતાં હોય. તે યુનુશભાઇનું જામનગર ખાતે કેટરર્સનું કામ હોય જેથી અને વાહનની વ્યવસ્થા શેઠ દ્વારા કરવામાં આવી હોય કામ પૂરું કરી પરત આવવાનું હોય જેથી તે કારની આગલી સીટ પર બેસવા જતા ડ્રાઇવર ધમભા જાડેજાએ આગલી સીટ પર બેસવાની ના પાડી તમારે અમારી બાજુમાં ન બેસાઇ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.
બાદમાં રાત્રીના તેને ફોન આવ્યો હતો અને કાલાવડ રોડ પર ચાની હોટેલે બોલાવ્યો હતો અને ત્યાં ધમભા જાડેજા, મીત રાજપૂત સહિત ચાર શખ્સ ઊભા હોય ત્યાં જતા ધમભા સાથે શું માથાકૂટ કરે છે, કહી અજાણ્યા શખ્સે ઝઘડો કરતાં ચારેય શખ્સે ખુરશી તેમજ ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી નાસી ગયા હોવાનું જણાવતા પીએસઆઇ બેલીમ સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.