પહેલાગામ આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપેલા જડબાતોડ જવાબથી દેશના લોકોનો ભાવનાત્મક જુસ્સો હાઈ લેવલ પર છે. ત્યારે હવે બોલિવૂડના ખેલાડીઓમાં પણ ‘ઓપરેશન સિંદૂર’ ટાઇટલ રજિસ્ટ્રેશન માટે દોડધામ ચાલી રહી છે. આ માટે 15 ફિલ્મ નિર્માતાઓ દ્વારા FWICE(ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ ) નો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી એ નક્કી થયું નથી કે આખરે આ ખિતાબ કોને મળશે. પરંતુ આ હવાઈ હુમલા પર કોણ ફિલ્મ બનાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ પછી, ફિલ્મ ઉદ્યોગમાં આ ટાઇટલ માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) ના પ્રમુખ બી.એન. તિવારીએ ઇન્ડિયા ટુડે/આજ તક સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 15 ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોએ આ ટાઇટલ રજિસ્ટર કરવા માટે અરજી કરી છે. આ નોંધણી ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) દ્વારા કરવામાં આવી રહી છે.
‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનશે જો સૂત્રોનું માનીએ તો, ફિલ્મ ઉદ્યોગમાં આ ટ્રેન્ડ નવો નથી. જ્યારે પણ કોઈ મોટો રાષ્ટ્રીય મુદ્દો કે ઘટના સામે આવે છે, ત્યારે ફિલ્મ નિર્માતાઓ તરત જ તેનાથી સંબંધિત શીર્ષક નોંધાવવાનો પ્રયાસ કરે છે. તેના પર ફિલ્મ બને કે ન બને, તેનું શીર્ષક સુરક્ષિત રાખવું મહત્ત્વપૂર્ણ છે. ‘ઉરી’, ‘વોર’ અને ‘ફાઇટર’ જેવી ફિલ્મોની સફળતા પછી, એવું જોવા મળ્યું છે કે યુદ્ધ અથવા દેશભક્તિ પર આધારિત વાર્તાઓ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે.