પ્રિ-મોન્સૂન માટે બેઠક, બચાવ-રાહત સાધનો સહિતની કામગીરીની સમીક્ષા

બુધવારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલીમી માનવબળ, અનાજ પુરવઠો, આરોગ્ય, બચાવ-રાહત સાધનો તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આપત્તિના સમયે એક પણ માનવ કે પશુના મૃત્યુ ના થાય તે માટે આગોતરું આયોજન કરી સરવે ટીમની રચના કરવા અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વર્ષાઋતુ પૂર્વે બચાવ અને રાહતની કામગીરી, અનાજ અને પુરવઠાની જાળવણી, વીજળી, આરોગ્ય, ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાની તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, વિવિધ બિન સરકારી સંસ્થાઓની યાદી, વોંકળા-નદીપટ્ટની સફાઇ, પશુઓને ઘાસચારો તેમજ આપત્તિના સમયે જરૂરી સંસાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

તેમજ પૂરતા પ્રમાણમાં ગાડીમાં ટોર્ચ-દોરડા, લાઈફ જેકેટ જેવા સાધનો હાથવગા રાખવા અને તેનો સ્ટોક રાખવા માટેની તાકીદ કરાઇ હતી. બેઠકમાં વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *