બંગાળી કારીગર રૂ.76.80 લાખનું સોનું ચોરી ગયો, આરોપીની ધરપકડ

સોની વેપારી પાસેથી દાગીના બનાવવા માટે સોનું લઇ બંગાળી કારીગરે દાગીના બનાવી આપ્યા નહોતા અને સોનું પણ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી હતી.

શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં શ્રીહરિ ઓર્નામેન્ટ નામે સોનાના ઘરેણાંનો વેપાર કરતાં તરુણભાઇ કનૈયાલાલ પાટડિયા (ઉ.વ.62)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાથીખાનામાં રાબિયા મંઝિલમાં રહેતા અબુઝાફર ઝમાદાર બંગાળીનું નામ આપ્યું હતું. તરુણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી પોતે બોઘાણી શેરીમાં જિયાન જ્વેલર્સ નામે દુકાન ધરાવતાં અને દાગીના બનાવવાનું કામ કરતાં અબુઝાફર બંગાળીને ઘરેણાંનું ઘાટકામ આપતા હતા. ગત તા.5 સપ્ટેમ્બરના સાંજે તરુણભાઇએ અબુઝાફરને બૂટી, બાલી વગરે સોનાના મિક્સ દાગીના બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો અને અબુઝાફરને 1300.240 ગ્રામ ફાઇન સોનું આપ્યું હતું. પાંચ દિવસમાં દાગીના બનાવી આપવાની અબુઝાફરે ખાતરી આપી હતી. આઠ દિવસ વીતી જવા છતાં દાગીના નહીં મળતાં વેપારીએ અબુઝાફરને બોલાવતા તેણે કહ્યું હતું કે, તમારું સોનું મેં મારી પાસે બીજા લોકો સોનું માગતાં હતા તેને આપી દીધું છે, અને તમારું સોનું થોડા દિવસમાં પરત આપી દઇશ.

14 સપ્ટેમ્બરના અબુઝાફર 400 ગ્રામ ફાઇન સોનું પરત આપી ગયો હતો. ત્યારબાદ 21 સપ્ટેમ્બરના અબુઝાફરે 900.240 ગ્રામ ફાઇન સોનું લેવાનું નીકળતું હોય તેના પેટે વેપારી તરુણભાઇને ચાર કોરા ચેક અને થોડા સમયમાં સોનું પરત આપી દઇશ તેવું લખાણ સાથેનું નોટરી કરી આપ્યું હતું. 14 ઓક્ટોબરના અબુઝાફર 100 ગ્રામ ફાઇન સોનું આપી ગયો હતો, ત્યારબાદ બાકીનું રૂ.76.80 લાખની કિમતનું 800.240 ગ્રામ સોનું પરત કર્યું નહોતું, અને લાંબા સમય સુધી અવનવા બહાના કાઢ્યા બાદ અબુઝાફરે સોનું પરત કરવામાં હાથ ઉંચા કરી દઇ વિશ્વાસઘાત આચર્યો હતો. પોલીસે ગુનો નોંધી અબુઝાફર બંગાળીની ધરપકડ કરી સોનું કબજે કરવાની કવાયત શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *