તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયનું મદુરાઈ એરપોર્ટ પર આગમન ત્યારે અંધાધૂંધીમાં ફેરવાઈ ગયું જ્યારે તેના એક બોડીગાર્ડે અચાનક બંદૂક કાઢી. વિજય કોડાઈકેનાલથી શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો અને તેના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, એક વૃદ્ધ ચાહક ઝડપથી વિજય તરફ આગળ વધ્યો. બોડીગાર્ડને તેની આ રીત ગમી નહીં અને તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી બંદૂક કાઢી અને વૃદ્ધ માણસ તરફ તાકી.
થોડીવારમાં બોડીગાર્ડે બંદૂક પાછી મૂકી અને ટીમે વૃદ્ધ માણસને ત્યાંથી દૂર ખસેડ્યો. દરમિયાન, એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજયે આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને શાંતિથી ટર્મિનલ તરફ ચાલ્યો ગયો . આ ઘટનાથી ચાહકોને આઘાત લાગ્યો હતો, પરંતુ રાહતની વાત એ હતી કે, વૃદ્ધ ચાહકને કોઈ નુકસાન થયું ન હતું અને બાદમાં તેને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલા વિજયબાલને આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ વીડિયો પર એક યુઝરે ટિપ્પણી કરીને લખ્યું,- “જ્યારે જનતા કે પત્રકારો રજનીકાંત સર, અજીત સર, શિવકાર્તિકેયન, સૂર્યા જેવા અન્ય સ્ટાર્સ પાસે જાય છે, ત્યારે તેઓ ખૂબ જ નમ્રતાથી વર્તે છે, પરંતુ આ વ્યક્તિનો મામલો અલગ છે. બિચારા ટાટા (દાદા) એ વિચાર્યું હશે કે તેમને વિજય જોવા મળશે, પરંતુ ટીમના મનમાં કંઈક બીજું જ હતું.”