રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધોરાજીના સુપેડી ગામ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ હતી અને કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ઘોરજીથી ઉપલેટા કાર લઈને જઈ રહેલા 6 લોકોને સુપેડી ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ લોકો વીડિયોગ્રાફી માટે જઈ રહ્યા હતા. દરમિયાન કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને ઈજા પહોંચતાં જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને નેશનલ હાઈવેની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ થવા પામી છે. જેમાં ધોરાજીના કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી (ઉં.વ.64), વલ્લભભાઈ ધીરજલાલ રૂંધાણી (ઉં.વ.57), અફતાબભાઈ આસિફભાઈ પઠાણ (ઉં.વ.19) અને આસિફભાઈ સુમરા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તના નામ રશ્મિન ગાંધી અને ગૌરાંગ રૂઘાણી હોવાનું સામે આવ્યું છે.