શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના જયનગરમાં રવિવારે મધરાત્રીના ધૂળધોયાના ડેલામાં ચોરી કરીને ભાગી રહેલી તસ્કર ગેંગને મફતિયાપરામાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ પાસે રહેતા દેવશીભાઇ ઉકાભાઇ સોલંકી (ઉ.વ.62)એ ટપારી હતી, જેથી તસ્કર ગેંગે વૃદ્ધને છરીના સાત-આઠ ઘા ઝીંકી પતાવી દીધા હતા. પોલીસે મૃતક દેવશીભાઇના પુત્ર રાહુલ સોલંકીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો.
રાહુલ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પાડોશમાં રહેતા તેના કાકાના ઘરે રાત્રે સૂતો હતો અને રાત્રીના અઢી વાગ્યાના અરસામાં તેના માતા રમીલાબેન દોડીને કાકા જયંતીભાઇના ઘરે આવ્યા હતા અને ડેલી ખટખટાવવા લાગ્યા હતા. અવાજ સાંભળી તેનો પુત્ર રાહુલ અને કાકા જયંતીભાઇ સહિતના લોકો બહાર આવ્યા હતા. પતિ દેવશીભાઇ લોહિયાળ હાલતમાં ઘરની બહાર પડ્યા છે તેમ કહેતાં જ તમામ લોકો ત્યાં દોડીને પહોંચ્યા હતા. દેવશીભાઇ બેભાન હાલતમાં હતા તે વખતે ત્યાં ઊભેલી એક રિક્ષામાં દેવશીભાઇને સુવડાવીને તાકીદે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા પરંતુ તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
દરમિયાન દેવશીભાઇના ઘરની બાજુમાં જ ડેલો ધરાવતાં ધૂળધોયા સંજયભાઇ સુરેશભાઇ ડોડિયાના ડેલામાંથી રૂ.16 હજારની કિંમતનો 10 બાચકા વેસ્ટેજ માલ ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું. ચોરી કરવા આવેલા તસ્કરોએ જ પ્રતિકાર કરનાર દેવશીભાઇને પતાવી દીધાની શંકા ઉઠતાં પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ ચુનારાવાડના રવિ સંજય સોલંકી (ઉ.વ.26) અને જયનગરના દીપક રમેશ મોરી (ઉ.વ.20) તથા બે સગીર સહિત ચારને ઝડપી લઇ પૂછપરછ કરતાં ચારેયે કબૂલાત આપી હતી કે, ડેલામાંથી ચોરી કરીને પોતે રિક્ષા તરફ જઇ રહ્યા હતા ત્યારે દેવશીભાઇ નિદ્રામાંથી જાગી ગયા હતા અને તેમણે પ્રતિકાર કરતાં તેમને છરીના ઘા મારી પતાવી દીધા હતા. પોલીસે આ મામલે આરોપીઓની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.