શહેરમાં બેફામ બનેલા વ્યાજખોરોને કારણે અગાઉ અનેક લોકો જિંદગી ટૂંકાવવા મજબૂર થયા હતા. વધુ એક કિસ્સામાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા વેપારીએ જંક્શન પ્લોટમાં પોતાની દુકાનમાં ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરી હતી. પોલીસે પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો. પરસાણાનગરમાં રહેતા અને જંક્શન પ્લોટ મેઇન રોડ પર શક્તિ મોબાઇલ નામે દુકાન ધરાવતાં ભાવિન ઘનશ્યામભાઇ ધરમાણી (ઉ.વ.23)એ પોતાની દુકાને ઝેરી દવા પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી. ભાવિને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, ચાલીસ દિવસ પહેલાં ધર્મેશ ગોસ્વામી પાસેથી પોતાના તથા મિત્રોના નામે રૂ.1.90 લાખ વ્યાજે લીધા હતા અને જેની સામે દરરોજના રૂ.1000નો હપ્તો ભરતો હતો. અઢી મહિના પહેલાં સદામ દલવાણી પાસેથી રૂ.1.70 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા સલમાન વિકિયાણી પાસેથી રૂ.1 લાખ લીધા હતા. આમ પોતાના પર હાલમાં 9થી 10 લાખનું દેણું થઇ ગયું હતું. બધા વ્યાજખોરો ફોન કરી નાણાંની પઠાણી ઉઘરાણી કરતાં હતા. ધર્મેશ ગોસ્વામીએ શુક્રવારે રૂબરૂ જઇને ભાવિનને ધમકી આપી હતી કે, ‘તને 24 કલાક આપુ છું, મારા પૈસા પાછા આપી દેજે, નહીંતર તને જાનથી મારી નાખીશ’. ધર્મેશે તા.23 એપ્રિલના ભાવિનની બલેનો કાર પણ પડાવી લીધી હતી.
પોલીસે ભાવિન ધરમાણીની ફરિયાદ પરથી ધર્મેશ ગોસ્વામી, સદામ દલવાણી, કીર્તિરાજ, હરેશ પારવાણી તથા સલમાન વિકિયાણી સામે ગુનો નોંધી પાંચેયની શોધખોળ શરૂ કરી હતી.