રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠેર-ઠેર ગાબડાં પડી જતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેને રિ-સર્ફેસિંગ કરવાની કામગીરી શરૂ કરાઇ છે અને આગામી 9 માસમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (રૂરલ)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ.આર.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ-ભાવનગર રોડ પર અનેક સ્થળોએ ગાબડાં પડી જતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહ્યાની ફરિયાદો ઊઠી હતી અને રોડ રિપેરિંગ કરાવવા માગણી ઊઠી હતી. જેના પગલે રાજકોટ-ભાવનગર હાઇવેને રિ-સર્ફેસિંગ માટેનો નિર્ણય લેવાયો હતો અને આ માટે સરવે કરી એસ્ટિમેટ તૈયાર કરી રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમાં આજી ડેમ ચોકડીથી 42 કિ.મી. સુધીનો માર્ગ રિ-સર્ફેસિંગની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવા જાહેરાત આપવામાં આવી હતી.
જેમાં ટેન્ડર પ્રક્રિયા બાદ રૂ.24 કરોડના ખર્ચે રાજકોટ-ભાવનગર હાઇવે 42 કિ.મી.નો માર્ગ રિ-સર્ફેસિંગ કરવાનું કામ સૌથી લોએસ્ટ ભાવ ભરનાર મધુરમ એજન્સીને આપવામાં આવ્યું છે અને આ કામગીરી એજન્સીએ 9 માસમાં પૂરી કરવાની રહેશે.