પિતાએ લીધેલા રૂ.50 હજારની ઉઘરાણી કરી યુવકને પાઇપના ઘા ઝીંકી દીધા

રાજકોટના રતનપરમાં રહેતા અને કુરિયરમાં નોકરી કરતા યુવક પર તેના પરિચિત સહિત ત્રણ શખ્સે હુમલો કર્યો હતો, યુવકના પિતાએ રૂ.50 હજાર ઉછીના લીધા હતા અને તેની ઉઘરાણી કરી યુવકને મારમાર્યો હતો.

રતનપરમાં રહેતા જયરાજ આશિષભાઇ મકવાણા (ઉ.વ.24)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા મનીષ વિપુલ રાઠોડ, નિતેષ ચિત્રોડા અને અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. જયરાજે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કુરિયરમાં નોકરી કરે છે તેના પિતા ગવરીદડમાં ગોલાની લારી ચલાવે છે. પિતા આશિષભાઇ મકવાણાએ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા મનીષ રાઠોડ પાસેથી રૂ.50 હજાર હાથ ઉછીના લીધા હતા અને તે રકમ કટકે કટકે આપવાનું નક્કી થયું હતું. તા.1ના જયરાજ મકવાણા અને તેની સાથે એક શખ્સ સ્કૂટરમાં આશિષના ઘરે ધસી ગયા હતા અને આશિષભાઇ ક્યા છે તેમ કહી ધમાલ શરૂ કરી હતી, આશિષભાઇ ગવરીદડ છે તેમ કહ્યું હતું, જેથી જયરાજને લઇને મનીષ સહિતના શખ્સો સ્કૂટરમાં બેસાડીને ગવરીદડ પહોંચ્યા હતા, જ્યાં ગોલાની લારી બંધ હોય મનીષ ઉશ્કેરાયો હતો અને ત્યાંથી જયરાજને સ્કૂટરમાં બેસાડી મવડી ચોકડીએ લઇ આવ્યો હતો, રસ્તામાં જયરાજને ફડાકા માર્યા હતા, મવડી ચોકડીએ અગાઉથી નિતેશ ચિત્રોડા હાજર હતો, બંને શખ્સ મવડી ચોકડીએથી નજીકમાં આવેલી બાંધકામ સાઇટે લઇ જઇ ત્યાં પ્લાસ્ટિકના પાઇપ ફટકાર્યા હતા અને નાણાની ઉઘરાણી કરી હતી. હુમલામાં ઘવાયેલા જયરાજને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે યુવકની ફરિયાદ પરથી ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *