ગોંડલના નવાગામમાં યુવકે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પીનેે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે, હજુ તો આઠ દિવસ પહેલા જ પત્નીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી તેના વિયોગમાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. દંપતિ વચ્ચે થોડા ઘણા સમયથી આર્થિક અને પારિવારીક બાબતો માં વારંવાર માથાકુટ થતી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. પરંતુ આવી નાની બાબતમાં દંપતિ અંતિમ પગલું ભરી લેશે તેવો તો કોને ખ્યાલ હોય.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના નવાગામમાં રહેતા ભાણજીભાઇ મુળજીભાઈ રાઠોડ (ઉ.વ.43)ના યુવકે સાંજે ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા ઉલ્ટીઓ કરવા લાગતા તાકીદે પ્રથમ ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એક ભાઈ એક બહેનમાં મોટા હતા અને કારખાનામાં મજૂરી કામ કરતા હતા, દંપતી વચ્ચે ગૃહ ક્લેશ થતો હોવાના કારણે 8 દિવસ પહેલા પત્ની ગાયત્રીબેનએ આવેશમાં આવી જઇને ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું લાગી આવતા યુવકે પણ આયખું ટૂંકાવી લીધું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.