રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતીની આગામી 4ને રવિવારના રોજ પરીક્ષા યોજાનાર છે અને તેમાં 514 કર્મચારીને પરીક્ષાના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે બે દિવસની કામગીરી માટે ટી.એ.-ડી.એ.પેટે પ્રતિ કર્મચારી દીઠ રૂ.270 ચૂકવવામાં આવનાર હોય ભારે હોબાળો બોલી ગયો હતો અને જે કર્મચારીઓને અમદાવાદ અને વડોદરાની ડ્યૂટી સોંપવામાં આવી છે તેઓ યુનિયનની આગેવાનીમાં કમિશનર બ્રાન્ચમાં ધસી આવ્યા હતા અને કમિશનરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
કર્મચારીઓએ એવી રજૂઆત કરી હતી કે, પરીક્ષાની બે દિવસની કામગીરી માટે રૂ.270 ટી.એ.ડી.એ. આપવામાં આવનાર છે. અમદાવાદ અને વડોદરામાં ડ્યૂટી પર મુકાયેલા કર્મચારીઓ જો એસ.ટી. બસમાં મુસાફરી કરે અને બસ સ્ટેશન પરથી ઉતરીને ઓટો રિક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચે અને ત્યાં પરીક્ષા કેન્દ્રનો ચાર્જ સંભાળી એક દિવસ રોકાય અને બીજા દિવસે સુપરવિઝન કરીને પરત આવે તો ટ્રાવેલિંગ, ભોજન, રીક્ષા ભાડું, ચા-પાણી સહિતનો ઓછામાં ઓછા રૂ.3000 જેટલો ખર્ચ થવાનો અંદાજ છે ત્યારે તેની સામે માત્ર રૂ.270 ખર્ચ આપી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
બીજું ખાસ કરીને ભૂતકાળમાં લેવાયેલી આઠથી દસ પરીક્ષાનું ટીએડીએ અને માનદ વેતન પણ હજુ સુધી ચૂકવાયું નથી. આથી આ મામલો કમિશનર સમક્ષ પહોંચતા તેઓએ યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી.