અવરોધરૂપ પવનચક્કી દૂર કરવા કોર્ટમાં સોગંદનામું કરી ભલામણ કરાશે: કલેક્ટર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાત્રાણા ખાતે ઇમર્જન્સી ફ્લાઇટ લેન્ડિંગ માટે ચાલી રહેલા એરસ્ટ્રિપનો પ્રોજેક્ટ છેલ્લા છ માસથી અટકી ગયાના અહેવાલ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને હવે એરસ્ટ્રિપમાં નડતરરૂપ પવનચક્કી દૂર કરવા હાઇકોર્ટમાં સોગંદનામું કરી રજૂઆત કરાશે તેમ દેવભૂમિ દ્વારકાના કલેક્ટર આર.એમ.તન્નાએ જણાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર તન્નાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મારા પોસ્ટિંગને હજુ માત્ર 3 માસ જેટલો સમય થયો છે. જ્યારે નેશનલ હા‌ઇવે ઓથોરિટીએ અમારા તંત્રને 3 વર્ષથી પવનચક્કી ખસેડવા અરજી આપી છે તેની મને દિવ્ય ભાસ્કરના માધ્યમથી જાણ થયા બાદ તુરંત મારા સ્ટાફ પાસેથી તાત્કાલિક મોબાઇલ પર ડેટા મેળવવામાં આવ્યો હતો. જેમાં પવનચક્કીના માલિકો દ્વારા હાઇકોર્ટમાં દાવો કરાયાની જાણ થઇ છે. પવનચક્કીના માલિકો દ્વારા એવો દાવો કરાયો છે કે પવનચક્કી આ પ્રોજેક્ટ થયો તે પહેલાં મંજૂરી લઇને બંધાઇ ગઇ હતી.

બીજું એરફોર્સ દ્વારા પણ અત્યાર સુધીમાં અમારી પાસેથી કોઇ ફોલોઅપ કરાયું નથી આથી તેમને પણ બોલાવવામાં આવશે અને તેમનું શું સ્ટેન્ડ છે તે પૂછવામાં આવશે. બીજુ કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી મારી પાસે કેઝ્યુઅલી જ બોલ્યા હતા. આ રીતની મેટર હોય તો તેમણે પણ ધ્યાન દોરવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *