રાજકોટમાં જાણે સૂર્યપ્રકોપ યથાવત્ રહ્યો હોય એમ હજુ પણ તાપમાન 44 ડિગ્રીને પાર રહે છે. બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું જે સામાન્યથી 3.3 ડિગ્રી વધારે હતું. જ્યારે લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે બુધવારે પણ રાજ્યમાં પાંચ જિલ્લામાં યલો એલર્ટ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. રાજકોટમાં બુધવારે ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. બુધવારે બપોરે પણ 2.30 કલાકે જ રાજકોટનું તાપમાન 44 ડિગ્રી થઈ ગયું હતું અને બપોરે પવનની ઝડપ પણ વધીને 22 કિ.મી.થઈ જતા લૂના આક્રમણથી પણ નગરજનો તોબા પોકારી ગયા હતાં.
રાજકોટમાં ચાલુ એપ્રિલ દરમિયાન ત્રણ વખત રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે. હજુ આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે ત્યારબાદ 2થી 4 ડિગ્રી ઘટશે.સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 29.6 અને લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બીજીબાજુ હવામાન નિષ્ણાતના મતે તા.3થી 10 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં માવઠાની અસર તીવ્ર જોવા મળશે.