કુવૈતમાં કપડવંજના રસોઇયા યુવકને શેઠાણીની હત્યા બદલ ફાંસી અપાઈ

ખેડાના કપડવંજના મહંમદઅલી ચોક વિસ્તારમાં રહેતાં 38 વર્ષનો મુસ્તકીમ મહંમદભાઈ પઢીયારા પાક કળામાં નિપુણ હતો. આજથી સાત વર્ષ અગાઉ બાંસવાડાથી આવેલું દંપતી મુસ્તકીમને પોતાને ત્યાં રસોઈયાની નોકરી માટે કુવૈત લઈ આવ્યું હતું. પત્ની અને 6 વર્ષની દિકરીને મૂકી મુસ્તકીમ કુવૈત ગયો હતો. મુસ્તકીમ રેહાનાખાન મુસ્તુફાખાનના ઘરે રસોઇ બનાવતો હતો, અને ત્યાં જ રહેતો હતો.

જોકે, 4 વર્ષ અગાઉ કોઇ કારણસર મુસ્તકીમને રેહાનાખાન સાથે કોઇ અણબનાવ થયો હતો. ઉશ્કેરાટમાં તેણે છરી મારી રેહાનાખાનની હત્યા કરી હોવાનો આક્ષેપ મુસ્તુફા ખાનના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેને પગલે મુસ્તકીમની અટક કરી કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં મુસ્તકીમે જ રેહાનાની હત્યા કરી હોવાના પરિવારના આક્ષેપને ગ્રાહ્ય રાખીને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે સોમવારે મુસ્તકીમને ફાંસી આપવામાં આવી હતી.

સમગ્ર મામલે એમ્બસી દ્વારા કપડવંજ સ્થિત પરિવારજનોને જાણ કરવામાં આવી હતી ગઇકાલે મંગળવારે મુસ્તકીમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાંથી મુસ્તકીમના પરિવારજનો મૃતદેહને બુધવારે સવારે કપડવંજ લઇ આવ્યાં હતાં. ત્યારબાદ ભારે હૈયે પરિવારે તેમને અંતિમ વિદાય આપી દફનવિધિ કરી હતી. હાલમાં આ ઘટનાને લઇ કપડવંજના મહંમદી ચોક વિસ્તારમાં રહેતાં લોકોમાં પણ શોકની લાગણી વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *