રાજકોટમાં પાડોશમાં રહેતા બે કિશોરે દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ, એક નજીકનો જ સંબંધી હોવાનું ખૂલ્યું

રાજકોટમાં ધો.5માં અભ્યાસ કરતી બાળકી ઉપર બે તરૂણે દૂષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ બનાવ અંગે રાજકોટ શહેરના બી-ડિવીઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર કિશોરીની ઉંમર 12 વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પરિવારજનોએ બાળકીની પૂછપરછ કરતાં તેના પાડોશમાં રહેતાં તરૂણનું નામ આપ્યું હતું. જેથી બાળકીની માતાએ તરૂણ વિરૂધ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવીઝન પોલીસ તરફ મોકલી આપી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણેએ તપાસ શરૂ કરી હતી.

પોલીસે ભોગ બનનાર બાળકીની પૂછપરછ કરતાં તેણે એક નહીં પરંતુ બે-બે તરૂણે તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. જેમાંથી એક તરૂણની ઉંમર 16 વર્ષ આસપાસ છે. જયારે બીજા તરૂણની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો તરૂણ ભોગ બનનાર બાળકીનો નજીકનો સંબંધી છે. તેણે ભોગ બનનાર બાળકીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે ભોગ બનનાર બાળકીએ તેનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *