રાજકોટ મહાનગરપાલિકાની ડાયરીમાં જેલમાં રહેલા અગ્નિકાંડના આરોપી એવા સસ્પેન્ડેડ અધિકારી એમ.ડી.સાગઠિયા, આઇ.વી.ખેર અને બી.જે.ઠેબાના નામ હોવાનો પર્દાફાશ થયા બાદ શહેર કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે કમિશનરને આવેદનપત્ર પાઠવીને ભ્રષ્ટાચારીઓને ડાયરીમાં સ્થાન આપનાર અધિકારી સામે પગલાં ભરવા માગણી કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને તેમની ટીમે આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ની જે 5,700 ડાયરી રૂ.28 લાખના ખર્ચે બનાવેલ છે. તે ડાયરીમાં હાલ જેલમાં રહેલા સસ્પેન્ડ અધિકારી એમ.ડી સાગઠિયા, ફાયર ઓફિસર આઈ.વી ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને ડાયરીમાં સ્થાન મળતા આશ્ચર્ય થયું છે કારણ કે, હાલ આ ત્રણેય ભ્રષ્ટાચારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. જેને હજુ સુધી કોર્ટે જામીન પણ મંજૂર કરવામાં આવ્યા નથી. અને તેમ છતાં તેઓના ડાયરીમાં નામ હોય ત્યારે શાસકો સાથેની મિલીભગત ખુલ્લી પડી છે.
જીએડી શાખાના મેનેજરની જવાબદારી ફિક્સ થાય છે અને તેઓએ દરેક શાખાધિકારી પાસેથી કર્મચારી અધિકારીઓની માહિતી લઈ અને સંકલન કરી નામો આપવાના થતા હોય છે. ત્યારે ફાયર અને ટી.પી. શાખા દ્વારા જે ઉપરોક્ત ભ્રષ્ટાચારીઓના નામો મોકલ્યા છે તેની ચકાસણી કર્યા વગર ડાયરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.