રાજકોટના લોઠડા ગામે ભાયાસર રોડ પર કારખાનામાંથી રૂ.1.80 લાખની કિંમતના સ્ક્રેપની ચોરી થતાં કારખાનેદારે ફરિયાદ કરી હતી. તેમજ આરોપીમાં તેના કારખાનામાં કામ કરતો કર્મચારી પણ બનાવ બાદ લાપતા હોય અને તેનો મોબાઇલ પણ બંધ હોય કર્મચારી ચોરી કરી નાસી ગયાનું જણાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેલનગરમાં શ્યામા સ્કાય લાઇન કોપર ગ્રીન સિટીમાં રહેતા અને લોઠડામાં દેવકી સ્ટીલ કોન નામે કારખાનું ચલાવતા નીરજભાઇ મહેશભાઇ તન્ના તા.13-4ના રોજ ધંધાના કામે ચાઇના ગયા હતા. દરમિયાન તા.18ના રોજ તેના કારખાનામાં કામ કરતાં અલીભાઇએ ફોન કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે, તે સવારે કારખાને આવ્યા ત્યારે કારખાનાનો દરવાજો ખુલ્લો હતો અને કારખાનામાં કોઇ હાજર ન હતું. જેથી તેને તપાસ કરતા કારખાનાના શેડમાંથી લોખંડનો સ્ક્રેપ જોવા ન મળતા આજુબાજુમાં તપાસ કરતાં પણ મળી આવેલ ન હોય જેથી કારખાનાના કેમેરા ચેક કરતાં લાઇટ ન હોય બંધ હતા અને આપણા કારખાનામાં કામ કરતો રાહુલ પણ ગાયબ હોય અને તેને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ તેનો ફોન બંધ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન ચાઇનાથી આવી તપાસ કરતાં કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો રાહુલ બાબુભાઇ આંકોલિયા અને તેની પત્ની પ્રિયાબેન બનાવ બાદ લાપતા હોય ફરિયાદ કરતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર ડાંગર સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે.