રાજકોટમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. ઈન્ચાર્જ ડીઈઓ દ્વારા આગઝરતી ગરમી વચ્ચે શાળાઓનો સમય સવારે 07:00 થી 11:00 વાગ્યા સુધી રાખવાનો આદેશ કરાયો હતો જોકે મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા સરકારી આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને બપોરે 1:00 વાગ્યા સુધી શાળાઓ શરૂ રાખવામાં આવી આ રીતે અનેક સરકારી પરિપત્રોનો અમલ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કરાવી શકતા નથી અને પોતે કચેરીએ રેગ્યુલર હાજર પણ રહેતા નથી. જેને લઇને આજે ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીને અગાઉથી જાણ કરી આવેદન આપવા માટે આવ્યા હતા. પરંતુ આજે પણ દર વખતની જેમ ઈન્ચાર્જ ડીઇઓ કિરીટસિંહ પરમાર હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ તેમની ચેમ્બરમાં બેસી ધરણા કર્યા હતા અને ડીઇઓ રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જોકે આ સમયે પોલીસે આવી પહોંચી હતી અને એબીવીપીના 6 કાર્યકર્તાઓને ડીટેઈન કર્યા હતા.
રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહાનગર મંત્રી ભાર્ગવ ચૌહાણે જણાવ્યું હતું કે, ઉનાળામાં 45 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે ત્યારે આજથી 15 દિવસ પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કલેકટરના આદેશથી તમામ શાળાઓ સવારે 7 થી 11 દરમિયાન જ ચાલુ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અનેક ખાનગી શાળાઓ દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને બપોરે 1:00 વાગ્યા સુધી આકરા તાપ વચ્ચે શાળા શરૂ રાખવામાં આવી અને તેને લીધે વિદ્યાર્થીઓએ ખૂબ જ મુશ્કેલી ભોગવી. પોતાના જ આદેશના ઉલ્લંઘન બાદ પણ જિલ્લા શિક્ષણ અધિકારી ખાનગી શાળાઓને એક નોટિસ આપવાની હિંમત ન કરી શક્યા. જે બતાવે છે કે સરકારી પરિપત્રોની અમલવારી કરાવવામાં ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી જ વામણા પુરવાર થયા છે.