રાજકોટના ITIના વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી સફળતા હાંસલ કરી છે. માત્ર 10 ચોપડી સુધીનો અભ્યાસ પૂરો કરનાર આ વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને ટેક્નિકલ કુશળતાથી ઈલેક્ટ્રિક મોડેલ કાર તૈયાર કરી છે, જેના કારણે તેઓને આજે ટોચના કાર ઉત્પાદકોએ પ્રશંસા સાથે જોબ ઓફર કરી છે. કુલ 18માંથી 14 વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ નોકરી મળી છે અને 3-3 લાખ સુધીમાં વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ બનાવેલી કાર જોવા ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીના અધિકારીઓ આવ્યા હતા અને તેમણે છાત્રોની મહેનત અને આઈડિયાને બિરદાવ્યો હતો. આ સફળતા માત્ર આ વિદ્યાર્થીઓની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પણ એક સંદેશ છે કે ક્ષમતા અને ઇનોવેશન માટે ઉચ્ચ અભ્યાસની લાયકાત કે શાનદાર સુવિધાઓ જરૂરી નથી, મક્કમ મનોબળ અને સતત મહેનતથી કોઈ પણ સપનાને સાકાર કરી શકાય છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતી કાર બનાવી છે.
વિદ્યાર્થીઓએ તેમની બનાવેલી ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી લીધી ત્યારે રાજકોટની અનેક જાણીતી કાર બનાવતી કંપનીઓના અધિકારીઓ પણ તે કાર જોવા આવ્યા. કારની ડિઝાઇન, ટેક્નોલોજી અને કામગીરી જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત રહ્યા. વિદ્યાર્થીઓની સ્કિલ અને સર્જનાત્મકતાને પગલે 14 વિદ્યાર્થીઓને તુરંત 3- 3 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પેકેજ પર જોબ ઓફર કરી દેવાઈ.