જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેકના મનમાં બદલાની ભાવના જોવા મળી રહી છે. દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 1ના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીના જન્મદિવસ નિમિતે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ કેક કટિંગ સાથે ઉજવણીમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ પણ જોવા મળ્યા હતા. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ દ્વારા ઉલ્લેખ કરાયો છે કે, મોતનો મલાજો જાળવવો જોઈએ. તો દર્શિતાબેન શાહ દ્વારા તેઓ આ કાર્યક્રમથી અજાણ હતા અને શુભેચ્છા પાઠવવા ગયા ત્યારે ત્યાં બહેનો હાજર હતા, તેવું કહી લૂલો બચાવ કર્યો હતો.
દેશભરમાં શોકના માહોલ વચ્ચે રાજકોટ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા અંજલીબેન રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ખુલાસો કરતા રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, અંજલિબેન રૂપાણી અમારા વડીલ છે. મહિલા મોરચાના સિનિયર આગેવાન છે. મેં બપોરના સમયે તેમને ફોનથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટ ઘરે હોવાનું કહેતા હું રૂબરૂ શુભેચ્છા પાઠવવા ગઈ હતી. ત્યારે ત્યાં અમારી વિધાનસભાના વોર્ડ નંબર 1ના મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત હતાં. તેઓ દ્વારા કેક કટિંગ કરી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. તે લોકો દ્વારા મને પણ સાથે જોડાવાનું કહેતા હું સાથે જોડાઈ હતી. મને ખબર ન હતી કે, અહીંયા આ રીતે ઉજવણી થઇ રહી છે. હું પહોંચી ત્યારે ત્યાં અગાઉથી જ બધી બહેનો હાજર હતા.