PGVCL દ્વારા છેલ્લા એક વર્ષમાં રૂ. 271.01 કરોડની વીજ ચોરી ઝડપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 4.74 લાખ વીજ યુનિટની ચકાસણીમાં 63,198 વીજ યુનિટોમાં ચોરી પકડાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 11,101 વીજ કનેક્શનમાં રૂ. 56.22 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, જ્યારે બીજા ક્રમે ભાવનગર સર્કલ છે. 5 કોમર્શિયલ યુનિટ એવા પણ છે જ્યાં વીજ ચોરી બદલ રૂ. 1થી 2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સૌથી મહત્વની વાત એ છે કે, મેગ્નેટનો ઉપયોગ કરી તેમજ વીજ મીટર ધીમું પાડી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જો કે, PGVCL દ્વારા કડક વીજ ચેકિંગ કરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા 12 માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની દેખરેખ હેઠળ એપ્રિલ-2024થી માર્ચ-2025 દરમિયાન કુલ 4,74,347 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડાઈ હતી જેની અંદાજીત રકમ રૂ. 271.01 કરોડ થવા પામી છે.
વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવી GUVNLના વડપણ હેઠળ PGVCLના વીજીલન્સ વિભાગ તથા સબ ડિવિઝન, ડિવિઝનના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને વીજચોરીમાં ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, મીટરના સીલ સાથે ચેડાં કરીને, હેતુ ફેર, લોડ વધારો, સર્વિસ વાયર સાથે ચેડાં કરવા વગેરે પ્રકારની ગેરરીતિ વધુ પ્રમાણમાં જોવા મળી હતી.