ઓરિસ્સાથી ગાંજો લાવી વેપલો કરવા જતા ગોંડલ અને રાજકોટના શખ્સની અમદાવાદથી ધરપકડ

એસએમસીની ટીમે અમદાવાદના પાર્થ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે ટ્રકમાંથી 3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલના ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી લીધા હતા. આ બંને શખ્સ ઓરિસ્સાના અમન નામના શખસ પાસેથી ગાંજાનો આ જથ્થો લાવ્યા હતા અને તેઓ ગોંડલમાં ગાંજાનું વેપલો કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં અન્ય એક શખ્સની પણ સંડોવણી ખુલી છે. એસએમસીએ ગાંજાનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા 23.44 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય બંને શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પીઆઇ એ.જે.ચૌહાણ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે, રિયાઝશાહ ફકીર (રહે. વોરાકોટડા રોડ, ગોંડલ) ટ્રક નંબર જીજે 3 ડીવી 0264 માં લોખંડના પાઇપની આડમાં માદક પદાર્થ લાવી હાલ સનાથલ સર્કલ નવાપુર રોડ ગોપાલ કોમ્પલેક્ષની પાછળ પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે જાહેર રોડ પર ઉભો છે. આ માહિતીના આધારે પીએસઆઇ કે.ડી.રવિયા તથા તેમની ટીમ પહોંચી હતી અને અહીં પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે આ શંકાસ્પદ ટ્રક નજરે પડતાં તેને કોર્ડન કરી ટ્રકમાં કેબીનની પાછળના ભાગે આવેલા કેરિયરના ભાગેથી રૂપિયા 3,31,250 ની કિંમતનો 33.125 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજાના આ જથ્થા સાથે રિયાઝશાહ ઉંમરશાહ ફકીર (રહે. વોરા કોટડા રોડ, હુડકો ક્વાર્ટર ગોંડલ) તથા ક્લિનર ઝફર ઉર્ફે ભૂરો જીગરભાઈ સોલંકી (રહે. રૈયારોડ, રાજકોટ)ને ઝડપી લઇ ગાંજાનો આ જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા 23,44,690 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બંને શખ્સને પૂછપરછ કરતાં ગાંજાનો આ જથ્થો છત્તીસગઢ બોર્ડરને અડીને આવેલા ઓરિસ્સા રાજ્યની હદમાં ગંજામ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી અમન પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી અને આ બંને તેમજ મોઇન જીકરભાઈ સોલંકી સહિત ત્રણે મળી છૂટકમાં વેચતા હોવાની કબુલાત આપી હતી. જેથી આ અંગે એસએમસી પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.એચ.એ.રિશિન ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *