એક્સ-રે વિભાગમાંથી ગેરકાયદે કનેક્શન અપાતા લોડ વધી જતાં લાગી હતી આગ

રાજકોટની સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ગત મંગળવારે ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેના પગલે હાજર દર્દીઓમાં નાસભાગ મચી હતી. આ આગ લાગવાના કારણમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવાના નામે ચાલતા અન્નક્ષેત્રમાં ગેરકાયદેસર મેળવેલ વીજજોડાણ હોવાનું સામે આવ્યું છે. જેમાં કેબલની લોડ કેપેસિટી કરતાં વધુ લોડ વપરાશના કારણે આ ઘટના બન્યાનું ધ્યાનમાં આવતા અન્નક્ષેત્ર દ્વારા લેવામાં આવેલું ગેરકાયદે વીજજોડાણ દૂર કરવામાં આવ્યું છે.

આ બનાવને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી. જેને લઈને હાલ એક્સ-રે વિભાગમાંથી લીધેલું ગેરકાયદેસર વીજજોડાણ કટ કરી નાખવામાં આવ્યું છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં લોકોની સેવાને નામે શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આગામી દિવસોમાં ગેરકાયદેસર વીજજોડાણની જેમ જ પાણીનું કનેક્શન પણ કટ કરી નાખી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મંદિર પાસે ખડકી દેવામાં આવેલ ઓટલાનું બાંધકામ પણ ગઈકાલે સિક્યુરિટીની મદદથી દૂર કરવામાં આવ્યું હતું. મંગળવારે ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેના પગલે હાજર દર્દીઓમાં નાસભાગ મચી હતી. અમુક દર્દીઓ તો સ્ટ્રેચર મૂકીને ભાગ્યા હતા. જોકે સ્ટાફે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સિવિલ હોસ્પિટલનો વહિવટી કેટલી હદે કથળી ગયો છે તેનો આ નમૂનો છે. લાંબા સમયથી ચાલતા અન્નક્ષેત્ર માટે એક્સ-રે વિભાગમાં પાવર લેવાયો છતાં સત્તાધિશો બેખબર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *