પત્નીને ભરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને કોર્ટે 50 દિવસની સાદી જેલની સજા ફટકારી હતી. પાંચ મહિનાના 15 હજારનું ભરણપોષણ મેળવવા મહિલાએ કરેલી અરજીમાં પતિ કોર્ટમાં હાજર પણ રહ્યો નહોતો. કોર્ટે આરોપીને સજા ફટકારી હતી.
આ કેસની હકીકત એવી છે કે, સરોજબેન ભટ્ટીએ રાજકોટ રહેતા તેના પતિ કલ્પેશ જગદીશ ભટ્ટી સામે ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે અરજદાર મહિલાની વચગાળાની અરજી મંજૂર કરી અરજદાર સરોજબેનને માસિક રૂ.3 હજાર ચૂકવવા તેના પતિ કલ્પેશ ભટ્ટીને આદેશ કર્યો હતો.
કલ્પેશ ભટ્ટી કોર્ટના આદેશનું પાલન કરતો ન હોય અને 11 ઓગસ્ટ 2024થી 11 જાન્યુઆરી 2025 સુધીના 5 માસના ચડત ભરણપોષણના 15 હજાર મેળવવા સરોજબેને ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કલ્પેશ ભટ્ટી સામે નોટિસ ઇસ્યૂ કરી હતી તેની બજવણી થઇ ગઇ હતી, પરંતુ તે કોર્ટમાં હાજર રહેતો નહોતો. કોર્ટે પકડ વોરંટ ઇસ્યૂ કર્યું હતું તેમ છતાં તે ભાગતો ફરતો હતો. જેથી અરજદાર સરોજબેનના વકીલ અમિત ગડારાએ દલીલ કરી હતી, દલીલ અને તમામ પુરાવાને ધ્યાને લેતા કોર્ટે 50 દિવસની સાદી જેલની સજાનો હુકમ કર્યો હતો.