બ્રાહ્મણો પર કરેલી વાંધાજનક ટિપ્પણીને કારણે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિવાદોમાં ઘેરાયેલા છે. તેમની વિરુદ્ધ ઇન્દોર, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિત ઘણા શહેરોમાં ફરિયાદો નોંધાઈ છે. વિવાદ આગની માફક પ્રસરતા હવે ડિરેક્ટર-એક્ટરે થૂંકેલું ચાટ્યું છે અને સમગ્ર સમાજની માફી માંગી છે. અનુરાગ કશ્યપે આજે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલી ગયો’.
‘બ્રાહ્મણ સમાજે મને ઘણું આપ્યું છે’ અનુરાગ કશ્યપે માફી માંગતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે- કોઈ એકને જવાબ આપવાના ચક્કરમાં હું મારી મર્યાદાનું ભાન ભૂલી ગયો અને સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલાય ગયું. આ સમાજ, જેના ઘણા લોકો મારા જીવનનો ભાગ રહ્યા છે અને હજુ પણ સાથે છે અને ઘણું યોગદાન આપે છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને મારાથી દુઃખ થયું છે. ઘણા બુદ્ધિજીવીઓનો હું આદર કરું છું તેઓ મારા ગુસ્સા અને મારી વાણીથી દુઃખી થયા છે. આ પ્રકારની કોમેન્ટ કરી હું પોતે જ વિષયથી ભટકી ગયો હતો.
અનુરાગ કશ્યપે આગળ લખ્યું, ‘હું આ સમાજની દિલથી માફી માંગુ છું જેમને હું આવું કહેવા માંગતો નહતો, પરંતુ કોઈની હલ્કી કોમેન્ટનો જવાબ આપતી વખતે ગુસ્સામાં મારાથી લખાઈ ગયું. હું મારા બધા મિત્રો, મારા પરિવાર અને સમાજની મારી બોલવાની રીત અને અપશબ્દો માટે માફી માંગુ છું. હું તેના પર કામ કરીશ જેથી આવું ફરી ન થાય. હું મારા ગુસ્સા પર કામ કરીશ. જો મારે આ મુદ્દા વિશે વાત કરવી પડશે, તો હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીશ. મને આશા છે કે તમે મને માફ કરશો.