ઓરિસ્સાથી 24 કિલો ગાંજો લાવ્યો, વેચાણ કરે તે પહેલાં બે શખ્સ ઝડપાયા

શહેર પોલીસે 24 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે ગાંજો અને બાઇક સહિત કુલ રૂ.2,95,690નો મુદ્દામાલ જપ્ત કરી બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ કરી હતી.

નાનામવા રોડ પરના ગોવિંદ રત્ન બંગલો સામે રહેતા કાર્તિક ઉર્ફે ભોલો કાનજી ગોહેલે (ઉ.વ.33) ગાંજાનો જથ્થો મગાવ્યો છે અને તેનો માણસ ગાંજો લઇને સોમવારે રાજકોટ આવી પહોંચશે તેવી ચોક્કસ માહિતી મળતાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે કાર્તિક પર વોચ ગોઠવી હતી. સોમવારે સવારે કાર્તિક બાઇક લઇને નીકળ્યો હતો અને ત્રિકોણબાગ પાસેથી એક શખ્સને બાઇકમાં બેસાડ્યો હતો. બંને શખ્સ શાસ્ત્રીમેદાન પાસે પહોંચ્યા તે સાથે જ પીઆઇ જાડેજા સહિતની ટીમે બંનેને આંતરી લીધા હતા અને તલાશી લેતા બંને પાસેથી રૂ.2,40,690નો 24.069 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, બાઇક અને બે મોબાઇલ સહિત કુલ રૂ.2,95,690નો મુદ્દામાલ જપ્ત કરી કાર્તિક અને તેના સાગરીત કોઠારિયા રેલવે સ્ટેશનની સામે રહેતા જીવા હાથિયા ચુડાસમા (ઉ.વ.42)ની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ કાર્તિક દારૂના ગુનામાં ક્રાઇમ બ્રાંચના ચોપડે ચડી ચૂક્યો છે. કાર્તિકે ગાંજો ખરીદવા માટે પૈસા આપીને જીવાને ઓરિસ્સા મોકલ્યો હતો. રાજકોટથી જીવો ઓરિસ્સા ટ્રેનમાં ગયો હતો અને ત્યાંથી ગાંજો ખરીદી વડોદરા પહોંચ્યો હતો. વડોદરાથી બસમાં બેસી રાજકોટ આવ્યો હતો અને કાર્તિક તેને સલામત સ્થળે લઇ જાય તે પહેલાં પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસે ઓરિસ્સાના શખ્સને ઝડપી લેવા એક ટીમને રવાના કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *