રાજકોટ શહેરમાં ઉનાળો તપતા મચ્છરજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નહિવત થયા છે જેનાથી લોકોમાં રાહત જોવા મળી છે. જોકે તેની સામે હવે પાણીજન્ય રોગ સામે આવ્યા છે. સપ્તાહમાં બે કેસ ટાઈફોઈડ અને કમળાના નોંધાયા છે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના પૂરા થતા સપ્તાહમાં ટાઈફોઈડ અને કમળાનો એક-એક કેસ નોંધાયો છે. આ સાથે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બંને રોગના અનુક્રમે 36 અને 27 કેસ થયા છે. મચ્છરજન્ય રોગ એટલે કે મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના એક પણ કેસ નથી આવ્યા તેમજ છેલ્લા ચાર મહિનામાં નહિવત અનુક્રમે 3, 12 અને 4 કેસ નોંધાયા છે. આમ છતાં તકેદારીના ભાગરૂપે હજુ પણ મચ્છરગ્રસ્ત વિસ્તારોમાં પોરાનાશકકામગીરી અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ મનપાના આરોગ્ય કેન્દ્રોમાં સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 438 કેસ જ્યારે તાવના 567 અને ઝાડા-ઊલટીના 172 કેસ આવ્યા છે. હાલ આકરો તાપ પડતો હોવાથી ગરમી અને પાણીજન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે.