શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે બાઇકસવાર સમડીએ વધુ એક વૃદ્ધાને શિકાર બનાવ્યા છે. રેલનગર પાસે પગપાળા જતા વૃદ્ધાના ગળામાંથી રૂ.75 હજારની કિંમતના અઢી તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરી એક્ટિવાચાલક નાસી ગયાની ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેલનગરમાં મેરિ ગોલ્ડ હાઇટ્સમાં રહેતા તરૂલતાબેન મહેન્દ્રભાઇ ઉપાધ્યાય (ઉ.60) તેના ઘર પાસે પગપાળા જતા હતા ત્યારે એક અજાણ્યા સ્કૂટરચાલકે ગળામાં ઝોંટ મારી રૂ.75 હજારની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના પુત્રના મોટરસાઇકલ પર કરિયાણાની ખરીદી કરવા ગયા હતા બાદમાં ખરીદી કરી તેના ઘરથી થોડે દૂર તેનો પુત્ર ઉતારી તેના પિતાને તેડવા ગયો હતો અને વૃદ્ધા પગપાળા ઘેર જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે ગુનો નોંધી સીસીટીવીના આધારે સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.