સ્ટિયરિંગ લોક થઇ જાય છે, બ્રેક લાગતી નથી તેવી ફરિયાદ કરી’તી

શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે બુધવારે સવારે મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક બસના ચાલકે બે યુવક સહિત ચાર લોકોને કચડી માર્યા હતા અને છ લોકોને ઇજા થઇ હતી. આ મામલામાં રવિવારે પોલીસે બસના ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે અલગ-અલગ કથન કર્યું હતું અને બસમાં ક્યારેક બ્રેક લાગતી નથી તેવી ફરિયાદો પણ અગાઉ કર્યાનું કથન કર્યું હતું.

ઇલેક્ટ્રિક બસના ચાલકે ઇન્દિરા સર્કલ પાસે અનેક વાહનને ઉલાળ્યા હતા જેમાં મહાનગરપાલિકા અને યુનિવર્સિટીના કર્મચારી બે યુવક તથા બે મહિલાના મૃત્યુ થયા હતા, આ ઘટનાને પગલે સ્થળ પર એકઠા થઇ ગયેલા લોકોએ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને બસમાંથી નીચે ઉતારી તેની ધોલાઇ કરી હતી, ટોળાના હુમલામાં ઘવાયેલા ડ્રાઇવર શિશુપાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેને રજા અપાતા રવિવારે મોડીસાંજે ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી હતી. બસના ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાએ પોલીસ સમક્ષ શરૂઆતમાં કહ્યું હતું કે, બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી, બસની બ્રેક ફેઇલ નહીં હોવાનો આરટીઓનો રિપોર્ટ હોવા અંગે કહેતા તેણે પોતાનું કથન બદલ્યું હતું.

બસમાં કયારેક સ્ટિયરિંગ લોક થઇ જાય છે અને બ્રેક લાગતી નથી તેવી સુપરવાઇઝરને અગાઉ પોતાના સહિત અનેક ડ્રાઇવરે ફરિયાદ કર્યાનું કહ્યું હતું, આ ઉપરાંત પોતે બ્રેક લગાવવાની કોશિશ કરી હતી પરંતુ લાગી નહોતી, ત્યારબાદ ભૂલથી લિવર પર પગ મુકાઇ ગયાનું પણ કહ્યું હતું. પોલીસે આરોપી ડ્રાઇવરની વિશેષ પૂછપરછ હાથ ધરી હતી. ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાના ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થઇ ગઇ હતી અને તે રિન્યૂ કરાવાયું નહોતું છતાં તેને બસ આપીને ગંભીર ગુનાહિત બેદરકારી દાખવનાર સુપરવાઇઝર વિક્રમ ડાંગર સુધી પહોંચવાની પોલીસે કવાયત શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *