અરશદ ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. જોકે, તેના માટે આ સ્થાન સુધી પહોંચવું સરળ નહોતું. બાળપણમાં જ માતા – પિતાનું અવસાન થયા પછી અરશદની સફર વધુ મુશ્કેલ બની ગઈ, પરંતુ અરશદે હાર ન માની અને એક પછી એક પોતાનાં સપનાં પૂરાં કર્યાં. નાના નાના કામ કરીને ડાન્સ પ્રત્યેનો પોતાનો શોખ પૂરો કર્યો. આ પછી અરશદ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. અરશદ ઘણી વખત વિવાદોમાં પણ ફસાયો હતો. તે ઘણા મોટા વિવાદો સાથે સંકળાયેલા રહ્યા છે.
અરશદ વારસીનો જન્મ 19 એપ્રિલ 1968ના રોજ મુંબઈમાં થયો હતો. અરશદ એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. અરશદે બાર્નેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણમાં માતા ગુમાવનાર અરશદ માત્ર 14 વર્ષની ઉંમરે પિતાના અવસાન પછી અનાથ બની ગયો. પિતાના ગયા પછી, તેના માટે જીવનયાપન પણ મુશ્કેલ બની ગયું. ઘર ચલાવવા માટે, અરશદે ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો અને નાની નોકરીઓ કરવાનું શરૂ કર્યું.
17વર્ષની નાની ઉંમરે, અરશદે એક કોસ્મેટિક્સ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કર્યું. થોડા સમય પછી અરશદે ફોટો લેબમાં કામ કરવાનું શરૂ કર્યું. અરશદને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. આર્થિક સ્થિતિમાં સુધારો થયા પછી, અરશદે પોતાનું સ્વપ્ન પૂરું કરવાનું વિચાર્યું. પોતાની પ્રતિભાને કારણે, અરશદ ‘અકબર સામી ડાન્સ ગ્રુપ’માં જોડાયો. આ પછી, અરશદે ‘ઠિકાના’ અને ‘કાશ ફિલ્મો’માં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું.