રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં મિત્તલબેન નામનાં શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઇજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે. તો સ્કૂલે પણ 11 એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે.
આજે (19 એપ્રિલ) NSUI દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં NSUIએ શિક્ષિકાની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર મામલો ઉગ્ર બને એ પહેલાં જ હાજર પોલીસે ત્રણ કાર્યકરની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી.
બાળકીની માતાએ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં સમગ્ર શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. માત્ર ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતાં બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતાં માતાને જાણ થઈ હતી. એ બાદ બાળકીને ખાનગી અને બાદમાં જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલનાં શિક્ષિકા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.