સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ તેની શાળાઓના વડાઓ અને શિક્ષકો માટે ફરજિયાત વાર્ષિક તાલીમ માટે ‘STEM શિક્ષણ’ (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) થીમ જાહેર કરી છે, જેનો હેતુ NEP 2020 સાથે સુસંગત શિક્ષકની ક્ષમતા વધારવાનો છે. કેન્દ્રીય બોર્ડે જાહેર કરેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે CBSE-સંલગ્ન શાળાઓમાં બધા શિક્ષકોએ દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાકની તાલીમ લેવી ફરજિયાત છે, જેમાં 25 કલાક CBSE અથવા સરકારી પ્રાદેશિક તાલીમ સંસ્થાઓ દ્વારા અને બાકીના 25 કલાક ઇન-હાઉસ અથવા સ્કૂલ કોમ્પ્લેક્સ-આધારિત તાલીમ શામેલ છે.
અગાઉ 1 એપ્રિલના રોજ CBSEના તાલીમ એકમે બે સૂચનાઓ જાહેર કરી હતી, જેમાં સંસ્થાઓના વડાઓ અને શિક્ષકો માટે ફરજિયાત વ્યાવસાયિક વિકાસ માળખાની વિગતો આપવામાં આવી હતી. આ નિર્દેશો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના લક્ષ્યોના અમલીકરણ માટે આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષકોની મૂલ્યાંકન ફરજો, પ્રાયોગિક પરીક્ષા ફરજ, સંશોધન પ્રોજેક્ટ્સ, પ્રેઝન્ટેશન, CBSE કોન્ફરન્સમાં ભાગ લેવા, ઈ-કન્ટેન્ટ બનાવટ, અભ્યાસક્રમ સમીક્ષા અને અન્ય કાર્યોને CPD (કન્ટિન્યૂઝ પ્રોફેશનલ ડેવલપમેન્ટ) કલાક તરીકે શામેલ કર્યા છે.
STEM શિક્ષણ થીમ શિક્ષકોને વર્ગખંડમાં અનુભવાત્મક, પૂછપરછ-આધારિત અને આંતર શાખાકીય અભિગમોને એકીકૃત કરવા માટેની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બાબતને સમર્થન આપવા શાળાઓને સ્થાનિક શિક્ષણ સમુદાયો બનાવવાના ઉદ્દેશ્ય સાથે STEM શિક્ષણ પર જિલ્લા સ્તરીય ચર્ચા-વિચારણાનું આયોજન કરવા જણાવાયું છે. સીબીએસઈએ જણાવ્યું છે કે, સંસ્થાઓના વડાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પરિવર્તનના નેતા તરીકે કાર્ય કરે, તેમની શાળાઓમાં સતત વ્યાવસાયિક શિક્ષણ અને નવિનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે.