રાજકોટ નજીક તરઘડીયા ગામે રહેતા મૂળ રાજસ્થાનના કાળુસિંગ મેઘનસિંગ રાવત (ઉ.વ.40) તા.15.04.2025ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ ગુંદા ગામ પાસે હતા ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં મળતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતા કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી, પોલીસ સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતમાં આ બનાવ બાઇક સ્લીપ થતા બન્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ બાદમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે કાલુસિંઘ પોતે કૂવો ખોદવાનું કામ કરતા હોય અને કુવામાં પડી જતા ઈજા થઈ હતી જેના કારણે ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી તપાસ તજવીજ હાથ ધરી હતી.
રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી અબ્દુલ ગની ફારૂકભાઈ કુકસવાડિયા (ઉ.વ.24) ગઈકાલે રાત્રે 9.30 વાગ્યે રાજકોટ પોપટપરા સેન્ટ્રલ જેલ ખાતે જેલ સર્કલ યાર્ડ નંબર-6માં હતો ત્યારે કોઈ કારણોસર ખીલી ખાઈ જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જેલ તંત્ર દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.