ફ્લોરિડા યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, 2નાં મોત

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના તલ્હાસી કેમ્પસમાં ગુરૂવારે એક શૂટરે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. જેમાં 2 લોકોનાં મોત થયાના અહેવાલો મળ્યા છે. આ ઉપરાંત, અન્ય 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ નથી પરંતુ ગોળીબાર કરનાર હુમલાખોર યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ શંકાસ્પદ હુમલાખોરને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં 6 લોકોને ઘાયલ કરનાર અને બે લોકોની હત્યા કરનાર હુમલાખોર શેરિફના ડેપ્યુટીનો 20 વર્ષનો પુત્ર ફિનિક્સ ઇકનર છે, જેણે તેની માતાની સર્વિસ ગન મેળવી લીધી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો, એમ FSU પોલીસ વડા જેસન ટ્રમ્બોવરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

લિયોન કાઉન્ટી શેરિફ વોલ્ટર મેકનીલે કથિત હુમલાખોરની ઓળખ અને ડેપ્યુટી જેસિકા ઇકનર સાથેના તેના સંબંધનો ખુલાસો કર્યો, જે 18 વર્ષથી વધુ સમયથી શેરિફ ઓફિસમાં છે.

મેકનીલ કહે છે કે હુમલાખોર ફિનિક્સ ઇકનર શેરિફ ઓફિસની યુવા સલાહકાર પરિષદનો લાંબા સમયથી સભ્ય હતો અને ઓફિસ સાથે અનેક તાલીમ કાર્યક્રમોમાં રોકાયેલો હતો.

આ ઘટના બાદ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઘાયલ 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *