રાજકોટનાં ઇન્દિરા સર્કલ ખાતે ગઈકાલે (16 એપ્રિલ, 2025) સિટી બસનાં ચાલકે ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ચાર લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને લઈને ઠેર-ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે રાજકોટ મનપા કચેરીએ કોંગ્રેસ અને આપ દ્વારા ઉગ્ર વિરોધ કરી મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન ભ્રષ્ટાચાર નાબૂદ કરો તેમજ ભાજપ હાય હાયના નારા લગાવાયા હતા. તેમજ એજન્સી સામે કડક પગલાં લેવા અને મૃતકોના પરિવારને 50 લાખનું વળતર આપવા માગ કરવામાં આવી હતી. આજે ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં એક સાથે દેખાયા હતા. રાત્રે કેન્ડલ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તો કોટેચા ચોકમાં સિટી બસ રોકી NSUI દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓ સામે ગુનો નોંધવા અમારી માગઃ અશોકસિંહ કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપની ભાગીદારી પેઢી રાજકોટ રાજપથ લિમિટેડને અધિકારીઓ પણ તાબે થઈ ગયા છે. ડ્રાઇવરનું લાયસન્સ એક્સપયાર થઈ ગયું હતું અને તેને ઇલેક્ટ્રીક બસ ચલાવવાનો પૂરતો અનુભવ નહોતો આમ છતાં તેને બસ ચલાવવા આપતા અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હોય તેની સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધાયો છે. પરંતુ ખરેખર આ એજન્સી સામે, ભાજપના પદાધિકારીઓ સામે અને મનપાનાં અધિકારીઓ સામે પણ ગુનો નોંધાઈ તેવી અમારી માગ છે. એટલું જ નહીં મૃતકોના પરિવારને રૂ. 50 લાખનું વળતર પણ આપવામાં આવે તેવી માંગ સાથે અમે કમિશનરને લેખિત રજૂઆત કરી છે.