જેતપુરમાં રહેતા યુવાને પત્નીની ડીલેવરી સમયે અને જેતપુરમાં જ રહેતી મહિલા પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ ની રકમ ૧૦ ટકા વ્યાજ લીધી હતી. બાદમાં રૂપિયા દોઢ લાખ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં આ મહિલા વધુ રૂપિયા ૧.૭૦ લાખની ઉઘરાણી કરતી હોય યુવાને આ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુરમાં દેસાઇવાડીમાં તેજાકાળા પ્લોટની સામે શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ચોથા મળે રહેતા મયુર રમેશભાઈ સોલંકી (ઉ.વ ૩૬) નામના યુવાને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જેતપુરમાં જ રહેતી રેખાબેન દરબાર નામની મહિલાનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સાડીના કારખાનામાં છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે યુવાને ધોરાજી રોડ જલારામ નગર- માં ૧૦૦ વારનો પ્લોટ છે.
ચારેક વર્ષ પૂર્વે યુવાન જુનાગઢ રોડ પર આવેલ રાજેશ્વર સોસાયટીમાં રહેતો હતો તે સમયે પત્ની પ્રેગનેટ હોય અધૂરા મહીને જોડિયા બાળકો પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. તે સમયે દવાખાનામાં ખર્ચ થતા પૈસાની જરૂરિયાત હોય રેખાબેન દરબારને વાત કરી હતી અને કહ્યું હતું કે, ૫૦૦૦૦ ની તાત્કાલિક જરૂરિયાત છે જેથી રેખાબેન મહિનાનું રૂપિયા ૫,૦૦૦ વ્યાજ તેમ કહી વ્યાજે રકમ આપી હતી. બાદમાં યુવાન નિયમિત મહિને રૂ.૫,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો યુવાને અઢી વર્ષ સુધી વ્યાજની આ રકમ ચૂકવી હતી.
બાદમાં યુવાને મજૂરીકામ બંધ થઈ જતા બે માસ વ્યાજ આપી શક્યો ન હતો. જેથી આ રેખાબેને ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરી હતી. ત્યારબાદ યુવાન પોતાનું મકાન બદલી દેસાઈવાડીમાં રહેવા ચાલ્યો ગયો હતો. આજદિન સુધીમાં યુવાને આ મહિલાને રૂ. ૫૦,૦૦૦ ના બદલામાં ૧.૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવી આપ્યું છે તેમછતાં રેખા વ્યાજ તથા મુદ્દલ સહિત કુલ રૂપિયા ૧.૭૦ લાખની ઉઘરાણી કરતી હોય જેથી યુવાને આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મહિલા વ્યાજખોર સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.