શહેરના વોર્ડ નં.1માં 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક પાસે નાણાવટી ચોક તરફ જતા માર્ગ પર સૂચિતમાં પાંચ માળનું ગેરકાયદે 20 હજાર ચોરસ ફૂટનું બાંધકામ ખડકી દેવાયાનું ધ્યાનમાં આવતા રાજકોટ મનપાએ 260(2)ની નોટિસ આપ્યા બાદ આજુબાજુના બાંધકામોને ધ્યાનમાં રાખીને હથોડાથી તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. આ બાંધકામ દૂર કરવામાં 15થી 20 દિવસનો સમય લાગશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ભીતરમાં ચર્ચાતી વિગતો મુજબ આ ગેરકાયદે બાંધકામ શાસક પક્ષના એક કોર્પોરેટરના નજીકના સગાનું છે અને તે થોડા સમય પૂર્વે બાંધકામ કરાયા બાદ ભારે વિવાદ થયો હતો.
150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકથી નાણાવટી ચોક તરફ જતા માર્ગ પર લાભદીપ સોસાયટીમાં ભગવતી ડેરી ફાર્મના માલિક ભાવિકભાઇ પટેલ દ્વારા સૂચિતમાં પાંચ માળનું અંદાજે 20 હજાર ચોરસ ફૂટનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયાનું ધ્યાનમાં આવતા કલમ 260(1) મુજબ નોટિસ અપાઇ હતી. છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં ન આવતા 260(2) મુજબની નોટિસ આપવામાં આવી હતી. છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર ન કરાતા બુધવારે સવારથી જ સ્થાનિક સલામતીના ભાગરૂપે સેફ્ટીને ધ્યાનમાં લઇ બુલડોઝરના બદલે હથોડા અને કટરથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાંધકામ દૂર કરવા કાર્યવાહી થતાં જ રાજકીય ભલામણોનો મારો ચલાવાયો હતો.