રાજકોટનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર શહેરનાં હાર્દસમો યાજ્ઞિક રોડ 4 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પરના સર્વેશ્વર ચોકમાં દોઢ વર્ષ અગાઉ સર્જાયેલી વોંકળાની દુર્ઘટના બાદ આ ચોકમાં નવા વોંકળાનું કામ ચાલી રહ્યું છે. જેમાં યાજ્ઞિક રોડ નીચેથી વોંકળા કનેકટેડ વિશાળ સ્લેબ કલ્વર્ટ કાઢવા માટે અંતે ગત મોડીરાતથી સર્વેશ્વર ચોકની બંને તરફ 50-50 મીટર રોડ બંધ કરાયો છે. જોકે સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી હાલાકી ભોગવતા વેપારીઓ માટે આ નિર્ણય પડ્યા ઉપર પાટા સમાન છે. છતાં લોકહિતમાં આ કામ જરૂરી હોવાથી તેને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.
સર્વેશ્વર ચોકમાં LGનો શોરૂમ ધરાવતા રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે 1979થી અહીં છીએ. અને આ શોરૂમ 1982માં શરૂ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 46 વર્ષમાં યાજ્ઞિક રોડ ક્યારેય બંધ થયો નથી. હાલ 4 મહિના માટે યાજ્ઞિક રોડને બંધ કરવામાં આવ્યો છે. જે ખરેખર ખૂબ મોટો સમય છે. આ સમય દરમિયાન ચોમાસુ પણ આવી જશે. તંત્રએ અહીં મોટો ખાડો કર્યો છે. અને પાણીનો નિકાલ થવાના બધા રસ્તા હાલ બંધ છે. ત્યારે જો ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો વેપારીઓ, ગ્રાહકો તેમજ યાજ્ઞિક રોડ પરથી પસાર થનારા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ત્યારે આ કામગીરી દિવસ-રાત કામ કરીને ઝડપથી પુરી કરવામાં આવે તેવી મારી અપીલ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી અમારા શોરૂમ સામે પતરા લાગી ગયા છે. જેને લઈ ગ્રાહકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. હાલ ઉનાળામાં એસી તેમજ ફ્રીઝ સહિતની સિઝન હોય ગ્રાહકોને શોરૂમ પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કામ ચાલુ હોવાને કારણે હાલમાં અહીં પાર્કિંગની પણ કોઈ સુવિધા નથી. જેની સીધી અસર ધંધા ઉપર થઈ છે. અને મારા સહિત આસપાસનાં તમામ વેપારીઓનાં વેપારમાં મોટો ઘટાડો નોંધાયો છે. આસપાસમાં ખાણીપીણીનો વેપાર કરતા અને રોજનું કમાઈને રોજ ખાતા હોય તેવા નાના નાના વેપારીઓની હાલત કફોડી બની ચુકી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર ઝડપી કામગીરી કરે તેવી અમારી માંગ છે.