પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી ચાલશે. આ યાત્રાને લઈ આજથી (15 એપ્રિલ, 2025) રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં રિંગરોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઈનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુનાં રજિસ્ટ્રેશન કરાશે, એમ જણાવાતાં ભક્તોનો રોષ ફાટ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. 200થી વધુ ભક્તો કતારમાં ઊભા છે અને સર્વર ડાઉન હોવાના કારણે રજિસ્ટ્રેશન ન થતું હોવાનું તેમજ એક કલાકમાં રજિસ્ટ્રેશન થતું હોવાનું જણાવતાં યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે.
અહીં નોંધનીય છે કે દરરોજ 100 જેટલાં રજિસ્ટ્રેશન થવાનું જણાવવામાં આવ્યું હતું. પહેલા દિવસે માત્ર 25 રજિસ્ટ્રેશનની મર્યાદા રાખવામાં આવતાં લોકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. બેંકના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે સ્ટાફની અછત અને સર્વર ડાઉન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.