શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને રેતી-કપચીનો વેપાર કરતાં યુવકને ભાગીદારી છૂટી થયા બાદ તે પૈસાના મુદ્દે પૂર્વ ભાગીદારે અન્યને હવાલો આપ્યો હતો અને હવાલો લેનારે વેપારી યુવકને સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે બોલાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મવડીની રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં રહેતા રેતી-કપચીના વેપારી કૃણાલ ભૂપતભાઇ મોણપરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પીયુષ મોલિયા તથા ત્રણ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. કૃણાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અગાઉ અજય સંખાવરા સહિતનાઓ સાથે ભાગીદારીમાં વેપાર કરતો હતો, બાદમાં હિસાબના મુદ્દે માથાકૂટ થતા ભાગીદારી છૂટી કરી હતી અને રૂ.13 લાખનો હિસાબ નીકળ્યો હતો અને જેણે જેની સાથે વ્યવહાર કર્યો હોય તેણે ત્યાં ઉઘરાણી કરવી તેવું નક્કી થયું હતું, જે પૈકી કૃણાલે પોતાના હિસ્સાની ઉઘરાણી કરી લીધી હતી પરંતુ અજય સંખાવરાએ અન્ય લોકો પાસે પૈસાની ઉઘરાણી કરી નહોતી અને તે પૈસા તે કૃણાલ પાસે પૈસા માગતો હતો, કૃણાલે તે પૈસા આપવાની ના કહેતા અજયે કેટલાક દિવસથી તે મુદ્દે ફોન કરવાનું બંધ કરી દીધું હતું.
તા.10ના અજયના મિત્ર પીયુષ મોલિયાનો ફોન કૃણાલને આવ્યો હતો અને તેણે સ્પિડવેલ પાર્ટી પ્લોટે બોલાવતા તે ત્યાં ગયો હતો, કૃણાલ ત્યાં પહોંચતા એક કારમાં પીયુષ સહિત ચાર શખ્સ આવ્યા હતા, પીયુષે ઉઘરાણીના પૈસાનો પોતે હવાલો લીધો છે તેમ કહી નાણાં માંગી છરી બતાવી ખૂનની ધમકી આપી હતી અને તેની સાથેની ત્રિપુટીએ પણ ધમકી આપી હતી.