રાજકોટમાં સ્ટંટ કરી રહેલા યુવકોને અટકાવતા ઘર્ષણ, આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડ્યો

ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને દલિત સમાજ દ્વારા રાજકોટ શહેરમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જિલ્લા પંચાયત ચોક પાસે પોલીસ કમિશનર કચેરી ની સામે પહોંચતા બાઈક ઉપર સ્ટંટ કરતા યુવાનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેને કારણે માથાકૂટ થઈ હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે પોલીસ દ્વારા બાઈક ઉપર દંડા મારવામાં આવ્યા બાદમાં ઉગ્ર બનતા ડીસીપી અને ACP સહિતના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. આ દરમિયાન યુવાનો રસ્તા ઉપર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો જોકે પોલીસની અડધો કલાકની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો અને તે દરમિયાન એક તરફનો રસ્તો પણ બંધ રાખવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ચોકમાં પણ સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા હતા.

રાજકોટ શહેરમાં આંબેડકર જયંતિને અનુલક્ષીને આજે દલિત સમાજના યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં હાથમાં બાબા સાહેબના ફોટા સાથેના ઝંડા જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન રેસકોર્ષ રિંગ રોડ પર કેટલાક યુવકો બાઈક પર સ્ટંટ કરી રહ્યા હોય પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. તાત્કાલીક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરીની સામે જિલ્લા પંચાયત ચોકમાં યુવાનો રસ્તા પર બેસી ગયા હતા. જેથી DCP ઝોન 2 જગદીશ બાંગરવા અને ACP રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ અને પોલિસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલીને અટકાવવામાં આવતા થયેલી બબાલ મામલે યુવાન ગૌતમ બાબરીયાએ પોલીસકર્મીઓએ બળજબરી કરી હોવાનો આક્ષેપ કર્યો હગતો. પોતાના વાહનમાં નુકસાન કરાયાનો પણ આક્ષેપ કરાયો હતો. જો કે, ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડતા રેલી ફરી શાંતિપૂર્ણ આગળ વધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *